સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

સોરી દિલીપ

સે સોરી! માય સન, સે સોરી!

છ છ કલાક સ્કૂલ
ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ કોરી
સે સોરી! માય સન, સે સોરી!

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
વળી માથે તે ચોપડ્યું ઘી
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની
કંઈ બાટલીઓ પેટમાં ભરી

કેમે કરી ન યાદ રહેતું તને લેશન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી! માય સન, સે સોરી!

પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાંને આપે પિંજરું

મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબૂકમાં
બાળ લાવ્યું છે આખું આભ દોરી
સે સોરી! માય સન, સે સોરી!

તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું
જાગવું હો ત્યારે સુવડાવું
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું

જેવો દફતરનો ભાર
એવો ભણતરનો ભાર
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી
સે સોરી! માય સન, સે સોરી!

ટીચર તો ટોકે છે
મમ્મી તો રોકે છે
બોલે નહિ પપ્પા, બે ઠોકે
કોઈ જો પૂછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાઈ જાય, ઓકે!

મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ
મૂડમાં રહે તો ટપોરી
સે સોરી! માય સન, સે સોરી!

યાદ


મોતની  ય  બાદ   તારી   ઝંખના   કરતો   રહ્યો
કે  તું  જન્નતમાં  મળે  એવી  દુઆ  કરતો  રહ્યો

જો  તું  જાણે  તો  ભરી  મહેફિલ  તજીને સાથ દે
એવી   એકલતાભરી  મારી   દશા   કરતો  રહ્યો

એ હતો એક  મોહ  કે  રહેશું  જીવનભર  સાથમાં
પ્રેમ  તો  એ  છે  જે  આપણને  જુદા  કરતો રહ્યો

મેં  બુરા ખ્યાલો ય રાખ્યા,  ને અમલ પણ ના કર્યો
પાપની  ને   પુણ્યની   ભેગી  મજા   કરતો  રહ્યો

ક્યાં  અનુભવ  જિંદગીના,   ક્યાં  કવિતાનો નશો
ઝેર  જે   મળતું  ગયું,   એની  સુરા  કરતો  રહ્યો

ન્યાય  પણ ‘બેફામ’  આ પાપી યુગે  અવળો  કર્યો
પુણ્ય   મેં  જે  જે  કર્યાં   એની  સજા કરતો રહ્યો

દિલીપ ને અંતિમ વેળા એ


મ્હેકમાં મ્હેક  મળી  જાય  તો  મૃત્યુ ન કહો
તેજમાં તેજ   ભળી  જાય  તો  મૃત્યુ ન કહો
રાહ જુદો  જ  જો  ફંટાય  તો  મૃત્યુ ન કહો
શ્વાસની  લીલા  સમેટાય   તો  મૃત્યુ ન કહો

દીર્ઘ યાત્રાની  જરૂરતથી  સજ્જ   થઈ  જઈને
એક  મંઝિલની લગન  આંખે  ઊતરવા દઈને
ભાનની   ક્ષણને   કાળજીથી   સમેટી  લઈને
‘આવજો’ કહીને  કોઈ જાય  તો મૃત્યુ ન કહો

જે  નરી  આંખે  જણાયાં ન  એ તત્વો કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા
દૂર   દુનિયાનાં  રહસ્યોનો   તાગ   મેળવવા
દૃષ્ટિ જો  આંખથી છલકાય તો  મૃત્યુ ન કહો

શબ્દ ક્યાં પહોંચે છે  તે  જાતે નીરખવા માટે
ભાનની   સૃષ્ટિની   સીમાને   પરખવા  માટે
દિલના  વિસ્તારની  દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફિલથી  ઊઠી જાય તો  મૃત્યુ ન કહો

ચિ. દિલીપ માટે

પાણી  ના  ભીંજવી  શકે પ્રલયનો વાયુ  ન  શોષી શકે;
નિત્ય સ્થાણુ અનન્ત નિશ્ચલ,  ભલે ગીતા ભણે આત્મને
તોયે  અન્તરમાં  સનાતન  સૂરો  ન  સ્થિરતા  એ  ગ્રહે.

આત્મા શાશ્વત; તો પછી મરણ શું? ક્યાંથી પ્રવેશ્યું જગે
કોણે એ  ઉપજાવ્યું  ને  સ્વરૂપ શું?  કેવી રીતે  એ રહે!
મૃત્યુને  નથી મૃત્યુ  શું?  જગતને  કો'ના નિયોગે ગ્રસે!
પ્હેલાં શું  જગતમાં હતું મરણની,  એના પછી  શું હશે?

મૃત્યુને  અધિકાર  શો   જગતના  સૌન્દર્ય   સંહારવા?
નિર્મી જે  ન  કંઈ  શકે, કૃતિ કહાં તૈયાર  તે  ભાંગવા?
એની જો અનિવાર્યતા જગતમાં  તો  કાં બધાં જન્મતાં?
મૃત્યુ ના પરિહાર્ય તો  જનમવું   એથી શી  મોટી પીડા!

કે જન્મ્યાં જ નથી  ચરાચર બધાં તત્વો  દિસે  જે જગે
કલ્પી  લે   અનુમાનથી  મરણને   અધ્યાસના   કારણે!

દિલીપને...


માનવીના રે જીવન!
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
……….એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
………..ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
………ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
…………કારમાં કેવાં કામણ?

ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
……….એક સનાતન શ્રાવણ.
માનવીના રે જીવન!

દિલીપ ને પ્રિય1

ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ સાથે

રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે…
મને તારી…(2) ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…(2)
મને કોઈ ના માર્ગ બતાવે…(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરું….

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે …(2)
મને તારી યાદ સતાવે…(2) ઓ નીલગગનનાં પંખેરું….

દિલીપ ને પ્રિય

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8