સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

આશ્વાસન

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo
શ્રવણ કાવડ લઈને ફરતો,
સેવા માત-પિતાની કરતો,
                        તીરથે તીરથે ડગલા ભરતો
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,
સેવા માત-પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા
શબ્દો થાય થાય થાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

દશરથ મૃગલા રમવાને આવે,
શબ્દ સુણીને બાણ ચલાવે,
                એ બાણે શ્રવણનો જીવ છોડી,
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

અંધ માત-પિતા ટળવળતા,
દીધો શ્રાપ જ મરતા-મરતા.
                દશરથ પુત્ર વિયોગે મરતા
                કરતા હાય હાય હાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

જ્યારે રામજી વન સંસરીયા,
દશરથ પુત્ર વિયોગે મરિયા.
                અમૃત કહે દુઃખના દરિયા,
                ઉભરાય જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

દિલીપ વિના

સ્નેહહધામ સૂનાં સૂનાં રે

સૂનાં    મંદિર   સૂનાં    માળિયાં
  ને મારા સૂના  હૈયાના   મહેલ  રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      આઘી   આશાઓ   મારા   ઉરની
        ને કંઈ  આઘા આઘા  અલબેલ  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનાં   સૂનાં   તે   મારા   ઓરડા
  ને  એક  સૂની  અંધાર   રાત   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      પાનાં       પ્રારબ્ધના        ફેરવું
        મહી  આવે   વિયોગની   વાત  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂની    વસન્ત   સૂની   વાડીઓ
  મારા સૂનાં  સવાર ને  બપોર   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      સહિયરને    સંગ   હું   બહાવરી
        મારો  ક્યાં  છે  કળાયેલ  મોર  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનું    સૂનું    આભ   આંગણું
  ને વળી સૂની સંસારિયાંની વાટ રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      માથે     લીધાં    જળબેડલાં    રે
        હું  તો   ભૂલી  પડી   રસઘાટ   રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂની    સૂની    મારી     આંખડી
  ને પેલો સૂનો  આત્માનો  આભ  રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      પ્રીતમ    પ્રેમ     કેમ     વીસર્યા
        એવો દીઠો અપ્રીતમાં શો લાભ  રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનાં    સૂનાં      ફૂલે      ફૂલડાં
  મારા  સૂનાં  સિંહાસન   કાન્ત   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      આંબાની    ડાળી   મહોરે    નમી
        મહી    કોયલ   કરે   કલ્પાંત   રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનો    સૂનો     મારો     માંડવો
  ને ચારુ સૂના  આ ચન્દની ચોક રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      રસિયાને      રંગમહેલ    એકલી
        મારે   નિર્જન   ચૌદેય   લોક   રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનો   હિન્ડોલો   મારા    સ્નેહનો
  ને કાંઈ સૂનો આ દેહનો હિન્ડોલ રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      વહાલાની    વાગે   દૂર   વાંસળી
        નાથ  આવો  બોલો  એક  બોલ રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

ચિ. દિલીપ માટે

કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે
પોઢણાં  દીધાં  રે  તમને  રાખનાં હોજી
પળિયામાં ભમે મારી ધ્રજતી આંગળીયું
ને  ટેરવે  જંગલ  ઊગે  આંખના  હોજી

ઓરડામાં  લીલીછમ  ઓકળીની  વેલ્ય
નીચા પગથારે  અકબંધ  સાથિયા હોજી
નીંદરની   જેમ  મારી  પાંપણ   ઘેરાય
ધીમાં ગળતી વેળાંનાં પરભાતિયાં હોજી

કોડિયાને    મોરવાયે    વાટને   સંકોરું
તોય પડદા ઝળેળે આડે  ઝાંખના હોજી
ઢોલિયે  ફૂટે   રે   આરસ  પાળિયા  ને
રોમરાએ ખટકે ઘૂંટેલ કેફ તાંસળાં હોજી

તાંસળાંનાં  તાંસળાં  ઘૂંટીને  ભરું તોય
ખાલીપે  ભીંસાય  પોલાં પાંસળાં હોજી
દેશવટા  ગઢમાં  દેવાણાં અમને  એમ
પગે આંટણ ઘોળાય બારસાખનાં હોજી

નવજીવન


પ્રભુ જીવન દે  હજી  જીવન દે  વિપદો  નિતનિત્ય  નવીન  પડે
ડગલું  ભરતાં  કુહરે  જ  પડે  કંઈ  ગુપ્ત ભયો  મહીંથી ઊઘડે

વનકંટકથી  તન  રક્ત  ઝરે  પણ  તોય  ન  અશ્રુ  કદાપિ ખરે
દ્રગ, એ  પડીને  ફરીથી  ઉપડે પગ,  એટલું  હે  પ્રભુ  જીવન દે

પ્રભુ  જીવન દે!  નવજીવન દે!

પ્રભુ બંધનમાં  જકડાઈ  ગયો  મુજ  દેહ  બધો અકળાઈ  ગયો
અવ ચેતન દે!   નવચેતન  દે!

સૌ એક જ ઘાથી  હું તોડી દઉં  તલ ગાઢ  અહંત્વનું  ફોડી દઉં
તુજ વારિ વિશાલ  મહીંથી  ઉડે  લઘુ પામરતા  બધી માંહી બુડે

જલ એ ઉભરી અભર્યું  જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે
પછી  દર્દુર  દીર્ઘ  રવે  જ  ભલે   દિનરાત  ડરાઉં  ડરાઉં  કરે

પણ  નિર્ભય મુક્ત અસીમ જલે  ઝીલતાં જનશું મળવાનું  જ દે
પ્રભુ  ચેતન  દે!   નવચેતન  દે!

યદિ એ નવ દે –
પણ  જીવનઓટ ન ખાળી શકું   મુજ  જીવનખોટ ન  વાળી શકું
હળવે  મુજ  જીવનહ્રાસ  થતો   અમ નિર્બળનો  ઉપહાસ  થતો
જગ ટાળી  શકું  નહિ, એવું ન દે!

પ્રભુ  એ  કરતાં
મુજ આયુષશેષ ય સંહરતાં
ઘડી  યૌવન  જીરણ  અંગ  તું દે!

પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે
બીજું ના કંઈ તો બસ આટલું જ દે  જગપાપશું કૈં લડવાનું જ  દે
લડી  પાર  અને પડવાનું  જ   દે!

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે  ધસી  મૃત્યુમુખે હસવાનું જ   દે
જીવવા   નહિ   તો   મરવા     કોઈ    ભવ્ય   પ્રસંગ   તું   દે

ઘડી  એ  બસ  એટલું  યૌવન દે  પ્રભુ  યૌવન  દે  નવયૌવન દે

નવાં કલેવર

નવાં કલેવર ધરો, હંસલા!

નવાં  કલેવર  ધરો, હંસલા!  નવાં  કલેવર ધરો,
ભગવી  કંથા ગઈ  ગંધાઈ, સાફ ચદરિયા  ધરો
હંસલા! નવાં કલેવર ધરો.

મોતી તણો તેં ચારો  માની ચણિયાં  વિખનાં ફળો,
કણ સાટે  છો  ચુગો કાંકરી, કૂડના  બી  નવ ચરો
હંસલા ! નવાં કલેવર ધરો.

ગગન  તારલે  અડવા  ઊડતાં  પૃથ્વીથીય  ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.

અધુઘડી આંખે  જોયું  તે સૌ પુરણ દીઠું કાં ગણો?
આપણાં દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો.

રાત પડી તેને પરોઢ સમજી  ભ્રમિત બા'ર નીસર્યો
હવે હિંમતમાં રહો જી  રુદિયા!  અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો.

-ઝવેરચંદ મેઘાણી

સોરી દિલીપ

સે સોરી! માય સન, સે સોરી!

છ છ કલાક સ્કૂલ
ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ કોરી
સે સોરી! માય સન, સે સોરી!

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
વળી માથે તે ચોપડ્યું ઘી
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની
કંઈ બાટલીઓ પેટમાં ભરી

કેમે કરી ન યાદ રહેતું તને લેશન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી! માય સન, સે સોરી!

પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાંને આપે પિંજરું

મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબૂકમાં
બાળ લાવ્યું છે આખું આભ દોરી
સે સોરી! માય સન, સે સોરી!

તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું
જાગવું હો ત્યારે સુવડાવું
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું

જેવો દફતરનો ભાર
એવો ભણતરનો ભાર
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી
સે સોરી! માય સન, સે સોરી!

ટીચર તો ટોકે છે
મમ્મી તો રોકે છે
બોલે નહિ પપ્પા, બે ઠોકે
કોઈ જો પૂછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાઈ જાય, ઓકે!

મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ
મૂડમાં રહે તો ટપોરી
સે સોરી! માય સન, સે સોરી!

યાદ


મોતની  ય  બાદ   તારી   ઝંખના   કરતો   રહ્યો
કે  તું  જન્નતમાં  મળે  એવી  દુઆ  કરતો  રહ્યો

જો  તું  જાણે  તો  ભરી  મહેફિલ  તજીને સાથ દે
એવી   એકલતાભરી  મારી   દશા   કરતો  રહ્યો

એ હતો એક  મોહ  કે  રહેશું  જીવનભર  સાથમાં
પ્રેમ  તો  એ  છે  જે  આપણને  જુદા  કરતો રહ્યો

મેં  બુરા ખ્યાલો ય રાખ્યા,  ને અમલ પણ ના કર્યો
પાપની  ને   પુણ્યની   ભેગી  મજા   કરતો  રહ્યો

ક્યાં  અનુભવ  જિંદગીના,   ક્યાં  કવિતાનો નશો
ઝેર  જે   મળતું  ગયું,   એની  સુરા  કરતો  રહ્યો

ન્યાય  પણ ‘બેફામ’  આ પાપી યુગે  અવળો  કર્યો
પુણ્ય   મેં  જે  જે  કર્યાં   એની  સજા કરતો રહ્યો