સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

પ્રિય દિલીપ

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

વસમી વાટે


મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

તિમિર ગયું  ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

દિવ્ય-તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

લાડકવાયો


કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ  સેજ  બિછાવે

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી  ગાવે

કોની  વનિતા  કોની માતા   ભગિની  ટોળે  વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે   કર   મીઠો   ધરતી

થોકે થોકે લોક  ઊમટતા રણજોધ્ધા જોવાને
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને

નિજ   ગૌરવ    કેરે   ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો   ને   એકલવાયો    અબોલ  એક   સૂતેલો

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો

એનું  શિર  ખોળામાં  લેવા  કોઈ જનેતા ના'વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઈ બહેની લાવી

કોઈના    લાડકવાયાની
ન કોઈએ ખબર પૂછાવી

ભાલે એને બચીઓ ભરતી  લટો  સુંવાળી  સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી

કોઈના    લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં

આતમ-દીપક   ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં  હૈયા ઉપર  કર-જોડામણ કરજો

પાસે   ધૂપસળી    ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે  ધરજો ચુંબન ધીરે

સહુ માતા ને ભગિની રે
ગોદ  લેજો  ધીરે  ધીરે

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા

એ લાડકડાની  પ્રતિમાનાં  છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી

ઉરની     એકાંતે     રડતી
વિજોગણ હશે દિનો ગણતી

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં  હોશે  કર બે  કંકણવંતા

વસમાં  વળામણાં   દેતાં
બાથ ભીડી બે પળ લેતાં

એની કૂચકદમ જોતી   અભિમાન  ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી

અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી

એવી કોઈ પ્રિયાનો  પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો  ને  અણબૂઝેલો   અગન પિછોડી ઓઢે

કોઈના    લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો  નવ કોઈ કવિતા લાંબી

લખજો: 'ખાક પડી આંહી
કોઈના    લાડકવાયાની'

આશ્વાસન

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo
શ્રવણ કાવડ લઈને ફરતો,
સેવા માત-પિતાની કરતો,
                        તીરથે તીરથે ડગલા ભરતો
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,
સેવા માત-પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા
શબ્દો થાય થાય થાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

દશરથ મૃગલા રમવાને આવે,
શબ્દ સુણીને બાણ ચલાવે,
                એ બાણે શ્રવણનો જીવ છોડી,
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

અંધ માત-પિતા ટળવળતા,
દીધો શ્રાપ જ મરતા-મરતા.
                દશરથ પુત્ર વિયોગે મરતા
                કરતા હાય હાય હાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

જ્યારે રામજી વન સંસરીયા,
દશરથ પુત્ર વિયોગે મરિયા.
                અમૃત કહે દુઃખના દરિયા,
                ઉભરાય જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

દિલીપ વિના

સ્નેહહધામ સૂનાં સૂનાં રે

સૂનાં    મંદિર   સૂનાં    માળિયાં
  ને મારા સૂના  હૈયાના   મહેલ  રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      આઘી   આશાઓ   મારા   ઉરની
        ને કંઈ  આઘા આઘા  અલબેલ  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનાં   સૂનાં   તે   મારા   ઓરડા
  ને  એક  સૂની  અંધાર   રાત   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      પાનાં       પ્રારબ્ધના        ફેરવું
        મહી  આવે   વિયોગની   વાત  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂની    વસન્ત   સૂની   વાડીઓ
  મારા સૂનાં  સવાર ને  બપોર   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      સહિયરને    સંગ   હું   બહાવરી
        મારો  ક્યાં  છે  કળાયેલ  મોર  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનું    સૂનું    આભ   આંગણું
  ને વળી સૂની સંસારિયાંની વાટ રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      માથે     લીધાં    જળબેડલાં    રે
        હું  તો   ભૂલી  પડી   રસઘાટ   રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂની    સૂની    મારી     આંખડી
  ને પેલો સૂનો  આત્માનો  આભ  રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      પ્રીતમ    પ્રેમ     કેમ     વીસર્યા
        એવો દીઠો અપ્રીતમાં શો લાભ  રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનાં    સૂનાં      ફૂલે      ફૂલડાં
  મારા  સૂનાં  સિંહાસન   કાન્ત   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      આંબાની    ડાળી   મહોરે    નમી
        મહી    કોયલ   કરે   કલ્પાંત   રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનો    સૂનો     મારો     માંડવો
  ને ચારુ સૂના  આ ચન્દની ચોક રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      રસિયાને      રંગમહેલ    એકલી
        મારે   નિર્જન   ચૌદેય   લોક   રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનો   હિન્ડોલો   મારા    સ્નેહનો
  ને કાંઈ સૂનો આ દેહનો હિન્ડોલ રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      વહાલાની    વાગે   દૂર   વાંસળી
        નાથ  આવો  બોલો  એક  બોલ રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

ચિ. દિલીપ માટે

કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે
પોઢણાં  દીધાં  રે  તમને  રાખનાં હોજી
પળિયામાં ભમે મારી ધ્રજતી આંગળીયું
ને  ટેરવે  જંગલ  ઊગે  આંખના  હોજી

ઓરડામાં  લીલીછમ  ઓકળીની  વેલ્ય
નીચા પગથારે  અકબંધ  સાથિયા હોજી
નીંદરની   જેમ  મારી  પાંપણ   ઘેરાય
ધીમાં ગળતી વેળાંનાં પરભાતિયાં હોજી

કોડિયાને    મોરવાયે    વાટને   સંકોરું
તોય પડદા ઝળેળે આડે  ઝાંખના હોજી
ઢોલિયે  ફૂટે   રે   આરસ  પાળિયા  ને
રોમરાએ ખટકે ઘૂંટેલ કેફ તાંસળાં હોજી

તાંસળાંનાં  તાંસળાં  ઘૂંટીને  ભરું તોય
ખાલીપે  ભીંસાય  પોલાં પાંસળાં હોજી
દેશવટા  ગઢમાં  દેવાણાં અમને  એમ
પગે આંટણ ઘોળાય બારસાખનાં હોજી

નવજીવન


પ્રભુ જીવન દે  હજી  જીવન દે  વિપદો  નિતનિત્ય  નવીન  પડે
ડગલું  ભરતાં  કુહરે  જ  પડે  કંઈ  ગુપ્ત ભયો  મહીંથી ઊઘડે

વનકંટકથી  તન  રક્ત  ઝરે  પણ  તોય  ન  અશ્રુ  કદાપિ ખરે
દ્રગ, એ  પડીને  ફરીથી  ઉપડે પગ,  એટલું  હે  પ્રભુ  જીવન દે

પ્રભુ  જીવન દે!  નવજીવન દે!

પ્રભુ બંધનમાં  જકડાઈ  ગયો  મુજ  દેહ  બધો અકળાઈ  ગયો
અવ ચેતન દે!   નવચેતન  દે!

સૌ એક જ ઘાથી  હું તોડી દઉં  તલ ગાઢ  અહંત્વનું  ફોડી દઉં
તુજ વારિ વિશાલ  મહીંથી  ઉડે  લઘુ પામરતા  બધી માંહી બુડે

જલ એ ઉભરી અભર્યું  જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે
પછી  દર્દુર  દીર્ઘ  રવે  જ  ભલે   દિનરાત  ડરાઉં  ડરાઉં  કરે

પણ  નિર્ભય મુક્ત અસીમ જલે  ઝીલતાં જનશું મળવાનું  જ દે
પ્રભુ  ચેતન  દે!   નવચેતન  દે!

યદિ એ નવ દે –
પણ  જીવનઓટ ન ખાળી શકું   મુજ  જીવનખોટ ન  વાળી શકું
હળવે  મુજ  જીવનહ્રાસ  થતો   અમ નિર્બળનો  ઉપહાસ  થતો
જગ ટાળી  શકું  નહિ, એવું ન દે!

પ્રભુ  એ  કરતાં
મુજ આયુષશેષ ય સંહરતાં
ઘડી  યૌવન  જીરણ  અંગ  તું દે!

પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે
બીજું ના કંઈ તો બસ આટલું જ દે  જગપાપશું કૈં લડવાનું જ  દે
લડી  પાર  અને પડવાનું  જ   દે!

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે  ધસી  મૃત્યુમુખે હસવાનું જ   દે
જીવવા   નહિ   તો   મરવા     કોઈ    ભવ્ય   પ્રસંગ   તું   દે

ઘડી  એ  બસ  એટલું  યૌવન દે  પ્રભુ  યૌવન  દે  નવયૌવન દે